
શ્રીમતી સુવર્ણા કુમુદચંદ્ર ઝવેરી ચેરીટેબલ ટ્રસ્ટમાં આપનું સ્વાગત છે
અમારા માતૃશ્રી સુવર્ણા કુમુદચંદ્ર ઝવેરીએ તેઓની પાંચ દાયકાની શિક્ષક તરીકેની દીર્ઘ કારકિર્દી દરમ્યાન અગણિત વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ અર્પવા ઉપરાંત સ્વાભિમાની અને આત્મનિર્ભર બનવા પ્રેરિત કર્યા . તેઓ પ્રત્યે કૃતજ્ઞતા-આદર દર્શાવી તેમને સ્મરણાંજલિ અર્પવા અને તેમણે કંડારેલ આદર્શોની કેડી પર આગળ વધવા અમો શ્રીમતી સુવર્ણા કુમુદચંદ્ર ઝવેરી ચેરીટેબલ ટ્રસ્ટ નો પ્રારંભ કરીએ છીએ.
સુવર્ણાબાનો જન્મ ૦૬.૦૫.૧૯૩૭ના રોજ થયો હતો એટલે કે આઝાદી પહેલાં જયારે આપણાં સમાજમાં કન્યા કેળવણીનું પ્રમાણ ઓછું હતું.પણ તેમનું દ્રઢપણે માનવું હતું કે શિક્ષણથી જ માનવી અને સમાજનું ઘડતર થાય છે-શિક્ષણ એક એવો સેતુ છે જે ઉજ્જવળ ભવિષ્ય માટે માર્ગ મોકળો કરે છે. જ્ઞાન માટે કરેલું રોકાણ સૌથી સારું વળતર- સુરક્ષા આપે છે. માતાપિતાની અનિચ્છા- નાણાકીય અવરોધ હોવા છતાં પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો અને સ્નાતક(B.A.)ની ડિગ્રી મેળવી જે એક વિશિષ્ટ ઉપલબ્ધિ ગણી શકાય.
આ ઉચ્ચ અભ્યાસ તેમના માટે મજબૂત પાયો બન્યો જેના પર કૌટુંબિક ઇમારત નું ઘડતર કર્યું અને આત્મનિર્ભરતા - સ્વાભિમાની જેવા સંસ્કાર નો ઓપ આપી સંતાનોના જીવન ને સુરક્ષિત બનાવ્યું. વિદ્યાર્થીઓ માટે પણ તેમનું કાર્યક્ષેત્ર માત્ર ગુજરાતી-સંસ્કૃત ભાષાના અભ્યાસ પૂરતું ન હતું પણ પોતાના અનુભવના આધારે જીવનોપયોગી સંસ્કારો પણ શીખવ્યા. વિદ્યાર્થી જગતમાં તેઓ “બા” ના હુલામણા નામ થી પ્રખ્યાત હતા.
ટ્રસ્ટના ઉમદા ઉદ્દેશો છે પણ મુખ્ય આશય શિક્ષણ ઉપર કેન્દ્રિત રહશે. વિદ્યાર્થીઓ જેઓ આર્થિક રીતે સંપન્ન નથી અને આર્થિક સંકડામણનાકારણે તેમની ઉજ્જવળ કારકિર્દી પર પૂર્ણવિરામના મુકાઈ જાય- તેવા વિદ્યાર્થીઓને તેમની યોગ્યતાના આધારે ટ્રસ્ટની નાણાકીય મર્યાદામાં યથાશક્તિ આર્થિક સહાય – પ્રોત્સાહન- માર્ગદર્શન આપી તેમને ધ્યેય પ્રાપ્તિનો માર્ગ મોકળો કરી આપવા કટિબદ્ધ રહશે.
ટ્રસ્ટની પ્રવૃત્તિમાં આપના ઉપયોગી -સલાહ સૂચનો-સહકાર- માર્ગદર્શન આવકાર્ય છે .